Saturday 21 January 2012

સંતશ્રી ભોજલરામબાપા




  

સૌરાષ્ટ્રની ધરા એટલે સંતો અને શુરાઓની  ધરા જેમા સંતો આદ્યાત્મિક વારસાનું જતન કરે છે અને શુરાઓ ગામની સરહદોનું રક્ષણ કરે છે. સૌરાષ્ટ્રની ધરતીનું એ સદ્ભાગ્ય છે કે અહીં સંતોના શુભાશિષ સદાય વરસતા રહ્યા છે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાનના અવતારો નથી થયા પરંતુ ભગવાનના અવતારોને જયાં અવતર્યા હોય ત્યાંથી પોતાના અંતરમાખેંચી લેવાનું સામર્થ્ય ધરાવતા સંતો અને ભક્તોની ભોમકા એ સૌરાષ્ટ્ર છે. જેમાંના એક સંત એટલે ફતેપુરના ભોજાભગત.

સંતશ્રી ભોજલરામબાપા

સૌરાષ્‍ટ્રમાં જેતપુર ની બાજુમા દેવકિગાલોણ નામના ગામમાં ભોજા ભગતનો જન્‍મ ઇ.સ. ૧૭૮પ માં (વિક્રમ સંવત ૧૮૪૧ માં) વૈશાખ સુદી પૂનમ બુધ્‍ધપૂર્ણિમાંના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ લેઉવા કણબી હતા. તેમની અટક સાવલીયા હતી. તેમના પિતાનું નામ કરશન ભગત, માતુશ્રીનું નામ ગંગાબાઇ હતું.

તેવો ત્રણ ભાઇ હતા, જેમા તેમના મોટા ભાઇ નું નામ કરમણ ભગત બીજા ભોજા ભગત પોતે સૌથી નાના ભાઇ નું નામ જસા ભગત હતુ.

જન્‍મ થી માંડીને ૧૨ વર્ષની ઉંમર સુધી ભોજાભગત ફકત દૂધ પી ને જ રહેલા. આ બાળકની દૂધાહારી બાલયોગીતરીકેની ખ્‍યાતી સમગ્ર સૌરાષ્‍ટ્ર પંથકમાં વિસ્‍તરી હતી.

તેવો નાની ઉમરે તેમના પરિવાર સાથે દેવકીગાલોળમાંથી નીકળી વડોદરા રાજ્યના અમરેલિ શહેરથી ત્રણ માઇલ દૂર ચક્કરગઢ ગામમાં ટૂંક સમય માટે આવીને વસ્યા હતાં. પરંતુ ભોજા ભગત નેકોઇ શાંત સ્થળમાં આશ્રમ બાંધી આઠેય પહોર આનંદમાં રહેવાની તાલાવેલી લાગી હતી. તેથી ભોજા ભગતે અમરેલિથી ત્રણ કિ.મી.દૂર ઠેબી નદીના કિનારે આશ્રમ બાંધ્‍યો. ધીરે ધીરે આ સ્થળ ઉપર ગામ વસ્યુ આ સ્થળ ધીમે ધીમે વસતિથી ધબકવા લાગ્યું અને જે ગામ ફતેપુર કહેવાયું જેને આજે લોકો ભોજલધામ તરીકે ઓળખે છે.

સદ્દગુરૂદેવ પૂ. ભોજલરામબાપાના બે સમર્થ શિષ્યો એટલે ભકત જલારામ તથા ભકત વાલમરામને ફતેપુરની આ પાવન ભૂમિ પર દિક્ષા આપી ભકિત પ્રદાન કરી અને સમાજને બે મહાન સંતો આપ્યા.અમરેલીના દીવાન વિઠ્ઠલરાવ પણ તેમના શિષ્ય બન્યા હતા.

આજ ફતેપુરની પવિત્ર ભુમિ પર પૂ. જલારામબાપાએ તેમનો જીવનનો ઘણો સમય ભકિત સાધનામાં વિતાવ્યો હતો.
પૂ. જલારામબાપાનો જન્‍મ વિરપુર પાસેના ચરખડી ગામે  ઇ.સ.૧૮૦૦ માં ( વિક્રમ સંવત ૧૮૫૬) .તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર , માતુશ્રીનું નામ રાજબાઇ  હતું. તેઓ જ્ઞાતિએ  લોહાણા હતા. અને એવી તો ગુરૂ સેવા કરી હતી કે સદ્દગુરૂના આશિર્વાદથી વિરપુરનું સદાવ્રત આજે દુનિયાભરમાં પ્રસિઘ્ધ છે.

જલારામબાપાને ભોજા ભગત ઉપર અનન્ય શ્રઘ્ધા હતી. તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માગી લીઘું કે અંતવેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો. ભોજા ભગત તો યોગી હતા. યોગી પુરુષને દેહલીલા સંકેલી લેવાની ઇચ્છા થાય ત્યારે અમલમાં મૂક્તા હોય છે. પોતાના દેહાવસાનનો ખ્યાલ આવી જતાં ફતેપુરથી વિદાય લઇ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવા વીરપુર ગયા હતા.

ભોજા ભગતના બીજા શિષ્ય પૂ. વાલમરામ બાપાનો જન્‍મ જેઠ સુદ ર  ઈ.સ.૧૮ર૪ માં  ( વિક્રમ સંવત ૧૮૮૦)  ભાવનગર જિલ્લા ના ગારિયાધાર ગામમાં થયો હતો.તેમના પિતાનું નામ  લવજી નારાયણ  , માતુશ્રીનું નામ  જબાઈ હતું. તેઓ જ્ઞાતિએ કાંત્રોડિયા કણબી  હતા.

વાલમરામ બાપાને સ્વપ્નમાં ગુરૂદર્શન થયેલા પ્રત્યક્ષ મળ્યા ત્યારે ગુરૂદીક્ષા લીધી અને ચરણસેવાથી પ્રસન્ન કરી ગુરૂ ભોજલરામ બાપા પાસેથી વચન માગ્યું કે ફતેપુરની જગ્યામાં જે ધજા ચડાવવામાં આવે તે વાલમરામ જગ્યામાંથી સ્વીકારવી અને તે વચન ભોજા ભગતે માન્ય રાખ્યું. ગારિયાધાર ગામમાં વાલમરામની જગ્યા છે. ત્યાં આજે પણ જન્માષ્ટમીના દિવસે વાલમરામની જગ્યામાંથી આવેલી ધજા ફતેપુરના ગુરૂસ્થાન મંદિર પર ચડાવવામાં આવે છે.

આજ ભૂમિ પર પૂ. ભોજા ભકતે પંથ, સંપ્રદાય, આડંમ્બર, અંધશ્રઘ્ધા અને ધતીંગથી દૂર રહી સમાજને સાચો રસ્તો બતાવી ભોજલધામને આઘ્યાત્મિક સેવા તિર્થ બનાવ્યું છે. જેમણે ગાયેલા પદો ગુજરાતી સાહિત્યમાં ચાબખાનામથી જાણીતા છે. જેમાં ધારદાર અને બળુકી વાણીમાં અંધશ્રદ્ધા, પાખંડ અને દંભી વ્યવહારો પર ભારે પ્રહારો કર્યા છે.  તેઓ ચાબખાના કવિતરીકે પણ ઓળખાયા છે.

જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈમાં સંસારની અસારતા સમજાવી નાશવંત શરીર લઇને આવેલા માનવીને ભક્તિના મારગે ચાલવાનો ઉપદેશ આપ્યો છે.તો ચાબખારૂપી ભજનો દ્વારા તત્કાલીન સમાજને કોરી ખાતાં અનિષ્ટોને આઘા હડસેલ્યા છે.

1) પ્રાણિયા ! ભજી લેને કિરતાર
   આ તો સપનું છે સંસાર

2) કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયાં લેવાય,
  પંખી પારેવડાંને નોતર્યાં,કીડીને આપ્યાં સન્માન

  હાલોને કીડીબાઇની જાનમાં.
  મોરલે બાંધ્યો રૂડો માંડવલડો રે, ખજુરો પીરસે ખારેક,

  સૂડલે ગાયા રૂડાં ગીતડા, પોપટ પીરસે પકવાન.
  મકોડાને મોકલ્યો માળવે રે, લેવા માળવીયો ગોળ,

  મકોડો કેડેથી પાતળો, ગોળ ઊપડ્યો નવ જાય.
  મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે, એવાં નોતરવા ગામ,

  સામા મળ્યાં બે કૂતરાં, બિલાડીનાં કરડ્યા બે કાન
  ઘોએ બાંધ્યાં પગે ઘૂઘરા રે , કાચીંડે બાંધી છે કટાર,

  ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા, ગધેડો ફૂંકે શરણાઇ.
  ઊંદરમામા હાલ્યા રિહામણે રે, બેઠા દરિયાને બેટ,

  દેડકો બેઠો ડગમગે, મને કપડાં પહેરાવ.
  વાંહડે ચડ્યો એક વાંદરો રે, એ જુએ જાનુની વાટ,

  આજે તો જાનુંને લૂંટવી, લેવા સર્વેના પ્રાણ.
  કઇ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર,

  ભોજાભગતની વિનતી, સમજો ચતુર સુજાણ

વગેરે જેવા અનેક પદોની રચના ભોજા ભગતે કરી હતી.

તેવો નિરક્ષર હોવા છતા ચાબખાપ્રકારનાં ભજનો વડે એમણે ૨૦૦ જેટલાં પદો ભજનો, પ્રભાતિયાં, કીર્તન,ધોળ, કાફી, હોરી, બાવનાક્ષરી, કવિતા અને સરવડાં રચના કરી હતી.પણ તેમના હસ્તાક્ષરવાળી કોઈ પ્રત પ્રાપ્ત થઇ નથી. તેમના બાવનાક્ષરી પદ પરથી અભ્યાસીઓ કહે છેકે તેમને બાવન અક્ષરનું જ્ઞાન તો હશે જ. જેના અંતર્ચક્ષુ ઉઘડ્યાં હોય અને જે ત્રેપનમો અક્ષર જાણતા હોય તેવા યોગીકવિને નિરક્ષર કેવી રીતે કહેવાય ?.

ભોજા ભગતનાં વિદ્વાન શિષ્ય એટલે જીવણરામ કે જેવો ભોજા ભગતના કંઠે ગવાયેલ ભજન સરવાણી કાગળ પર કાનામાતર વગરની બોડિયા લિપિમાં ઉતારતા હતા.

આ પવિત્ર ભૂમિ પર પૂ. બાપાની ભકિતને આધિન થઇ સાક્ષાત દ્રારકાધીશ પ્રગટ થઇ બાપાને દર્શન આપ્યા હતા.

પોતાના સમર્થ શિષ્ય સંત જલારામના સાનિઘ્યમાં જયારે આ મહાપ્રતાપી ગુરૂનો દેહવિલય થયો ત્યારે ઇ.સ. ૧૮૫૦નું વર્ષ ચાલતું હતું ને પોષ સુદ -૮ હતી. વીરપૂર ગામની ભાગોળે જયાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા ત્યાં સમાધિનો ઓટો છે.

વિદાયવેળાએ શિષ્યોને શીખ આપી ભાઈઓ, બધા રંક ભાવે રહેજો. પ્રભુની ભક્તિ કરજો. અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો. આટલું કરશો તો તમે તરશો ને બીજાને પણ તારશો.

No comments:

Post a Comment